ગુજરાતમાં લોકડાઉનના ચુસ્ત પાલન માટે પોલીસને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. કેટલાક લોકો ઘર બહાર નીકળવા માટે અલગ અલગ બહાના કાઢી રહ્યા છે અને સોસાયટીમાં જમાવડો કરી રહ્યા છે ત્યારે પોલીસ ખાતા દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે સોસાયટીમાં પણ 2 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ડીજીપી શિવાનંદ ઝા એ આ અંગે ગઇકાલે પ્રેસવાર્તામાં જણાવ્યુ હતું કે,

ડ્રોનના પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, સોસાયટીના અંદરના ભાગમાં લોકો બેસે છે, લોકડાઉનના ઉલ્લંઘન પર બે વર્ષની સજા કરવામાં આવશે

અગાઉ ડીજીપી એ જણાવ્યુ હતું કે કેટલાક લોકો ઘરેથી સાથે ટામેટા રાખીને બહાર લટાર મારવા નીકળે છે જેથી પોલીસ સામે બહાના કાઢી શકે. લોકોને ઘરમાં રાખવા પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે.

રાજ્યમાં 753 જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. કવોરન્ટીન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના (IPC 269, 270, 271) 361 અને અન્ય 42 ગુનાઓ (રાયોટીંગ/ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ) નોંધાયા છે. તેમજ 1989 આરોપીની અટકાયત અને 5707 વાહનો જપ્ત કર્યાં છે.

ડીજીપી એ આ સાથે નિઝામુદ્દીન કેસ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે તે અંગે તપાસ ચાલી રહી છે. તેમણે લોકોને જ્યાં છે ત્યાં જ રહેવાની અને મુસાફરી ન કરવાની પણ અપીલ કરી હતી.

રાજ્યમાં ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.  જો કે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે.