દિલ્લીમાં ભડકેલી હિંસા મુદ્દે ક્રાઇમ બ્રાન્ચની SIT એ આજે હજાર પેજની ચાર્જસિટ દાખિલ કરી છે જેમાં આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા નેતા તાહિર હુસેન ને માસ્ટરમાઇન્ડ ગણવામાં આવ્યા છે. પોલીસે ચાર્જશીટમાં તાહિરના ઘરનો ઉપયોગ હિંસક ટોળાને આશરો આપવા માટે અને હિંસામાં ઉપયોગ હથિયાર અને આગચંપીનો સામાન રાખવાને લઈને પણ ઉલ્લેખ કર્યો છે. આ ચાર્જશીટમાં ઉમર ખાલિદનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે, પરંતુ તેને ચાંદબાગ હિંસા કેસમાં હજુ આરોપી નથી બનાવવામાં આવ્યો. જો કે ઉમર ખાલિદની પણ પૂછપરછ કરવામાં આવશે.

SITની તપાસમાં સામે આવેલી વાત મુજબ હિંસાના પહેલા તાહિર હુસૈને CAA-NRCના વિરોધને લઈને પ્રદર્શનકારીઓ સાથે ગુપ્ત બેઠક કરીને હિંસા ભડકાવવા માટે યોજના બનાવી હતી. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં હિંસાના સમયે તાહિર હુસૈન પોતાના ચાંદબાગ સ્થિત ઘરે હાજર હતો. દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે તાહિર હુસૈને 1 કરોડ 30 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. ચાર્જશીટમાં હિંસા ભડકાવવા માટે તાહિરના ભાઈ શાહ આલમને પણ આરોપી બનાવવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે તાહિર હુસૈન અને તેના ભાઈ દ્વારા હથિયારોના ખરીદ-વેચાણને લઈને પણ ઉલ્લેખ કર્યો છે. તાહિરના ભાઈ શાહ આલમે હથિયારના એક વેપારી પાસેથી હથિયારો અને કારતૂસની ખરીદી કરી હતી. જો કે મોટાપાયે ખરીદવામાં આવેલા કારતૂસમાંથી માત્ર 24 કારતૂસ જીવિત મળ્યા છે. જ્યારે બાકી કારતૂસનો હિસાબ તાહિર કે તેનો ભાઈ આપી શક્યા નથી. આ ઉપરાંત તાહિરના ઘરેથી મળેલા પેટ્રોલ બોમ્બ અને પથ્થરને લઈને પણ તમામ મહત્વની વાતો ચાર્જશીટમાં કરવામાં આવી છે.

ચાર્જશીટમાં રજૂ કરવામાં આવેલા પુરાવા મુજબ, દિલ્હીમાં હિંસા ભડકાવવાનું ષડયંત્ર તાહિરે પહેલા જ કર્યું હતું. તાહિરના ઘરમાં લાગેલા CCTV કેમેરા પોલીસે તપાસતા તેમાં હિંસાના 15 દિવસ પહેલાથી જ રેકોર્ડિગ બંધ કરી દેવામાં આવ્યું હતુ અને જૂનો ડેટા પણ ડિલીટ મારી દેવામાં આવ્યો હતો.