લોકડાઉન પહેલા ગુજરાતમાં રાજયસભા ચૂંટણીને લઈને ભારે રંગ જામ્યો હતો કારણકે માર્ચમાં યોજાનારી 4 રાજયસભા સીટ માટે કૂલ 5 ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો સામેલ હતા. ભાજપે અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારાની તો કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ને ઉમેદવાર જાહેર કર્યા હતા અને ધારાસભ્યોની સંખ્યા મુજબ આરામથી બંને પાર્ટીના 2-2 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવે તેમ હતા પરંતુ ભાજપે નરહરિ અમિન ને ત્રીજા ઉમેદવાર તરીકે ઉતારીને કોંગ્રેસનો ખેલ બગાડવા કાવતરું કર્યું હતું અને 5 કોંગ્રેસી ધારાસભ્યો જે.વી. કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમાભાઈ પટેલ, મંગળ ગામીત અને પ્રવીણ મારું ને તોડવામાં સફળ રહ્યા હતા. જો કે કોરોના કારણે લાદવામાં આવેલા લોકડાઊનને કારણે ચૂંટણી મોકૂફ રખાઇ હતી પરંતુ હવે 15 જૂન એ આ ચૂંટણી યોજાશે ત્યારે ભાજપ માટે ત્રીજી સીટ જીતવી અઘરી બની છે.

શું છે ગણિત?

કોંગ્રેસ પાસે 68 ધારાસભ્ય અને જીગ્નેશ મેવાણી એમ કુલ 69 ધારાસભ્યોનું સંખ્યાબળ છે તો ભાજપ પાસે 103 ધારાસભ્યો અને એનસીપીના એક એમ કુલ 104 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. ચૂંટણી જીતવા માટે પ્રત્યેક ઉમેદવારને 36 ધારાસભ્યોના મતની જરૂરી છે, ત્યારે ભાજપના બે ઉમેદવારોને 72 મત મળ્યા બાદ ત્રીજા ઉમેદવાર માટે 32 મત બચે છે અને કોંગ્રેસના એક ઉમેદવારને 36 મત મળ્યા બાદ 33 મત બચે છે. આમ કોંગ્રેસ પાસે હાલ ભાજપ કરતા એક વોટ વધારે છે પરંતુ આ પરિસ્થિતિમાં નિર્ણાયક ભૂમિકા બીટીપીના ધારાસભ્યો ભજવશે.

બીટીપી અને કોંગ્રેસ ગઠબંધનમાં છે પરંતુ તેઓ પણ NCP ના ધારાસભ્યની જેમ સ્વતંત્ર પણે મતદાન કરે તો કોંગ્રેસને નુકશાન થઈ શકે છે. જો બીટીપીના છોટુ વસાવા અને મહેશ વસાવા ભાજપની તરફેણમાં જાય તો ભાજપના કુલ વોટ 32+2 = 34 અને કોંગ્રેસના બીજા ઉમેદવારના વોટ રહી જાય 33 અને જો આ બે ધારાસભ્યો કોંગ્રેસની તરફેણમાં જાય તો કોંગ્રેસના કુલ વોટ થઇ જાય 35 અને ભાજપના રહી જાય 32 જ.

કેમ બીટીપી કોંગ્રેસ ને સમર્થન આપી શકે?

હાલમાં નર્મદા જિલ્લાના કેવડિયામાં આદિવાસીઓની જમીનના મુદ્દદો ગરમાયો છે અને સ્થાનિકો અને તંત્ર સામસામે આવ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે ત્યારે બીટીપી જનતા વિરુદ્ધ જઈને સરકારને સમર્થન આપે તેવું શક્ય નથી લાગી રહ્યું. આ વિવાદ મુદ્દે બીટીપીના ધારાસભ્યો દ્વારા પણ સરકાર સામે મોટાપાયે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

જો કે ભાજપ વધુ કોંગ્રેસી ધારાસભ્યો તોડીને કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે પરંતુ ભાજપ માટે હાલ આ અઘરું છે અને તેમાં પણ કોરોના સમયે ખરીદ વેચાણ કરવા જાય તો નામ વધુ બદનામ થવાનો ભય પણ રહે. પહેલેથી ભાજપમાં અંદરખાને કોંગ્રેસી નેતાઓને સમાવવાનો અને તેમને ઉચ્ચે હોદ્દે બેસાડવાનો વિરોધ થઈ રહ્યો છે.