કોરોના ને લઈને હરકોઈ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા આગળ આવી રહ્યા છે ત્યારે રાજનીતિક પાર્ટીઓ પણ પોતાની ફરજ નિભાવતા જરૂરિયાતમંદ લોકો માટે આર્થિક મદદની સાથે સાથે ખોરાકની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.

ગુજરાત ભાજપના ધારાસભ્યો એ 1-1 લાખ, કોંગ્રેસ ધારાસભ્યો એ 10-10 લાખ ફંડ કોરોના સામે લડવા આપ્યા છે અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પણ 1.5 કરોડનું ફંડ આ માટે આપ્યું છે. આ સિવાય ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાશન કીટ અને ફૂડ પેકેટ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

પરંતુ આ બધા વચ્ચે ગઇકાલે ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના આધિકારિક ફેસબુક પેજ પર રાહત સામગ્રી અંગે એક પોસ્ટ કરાતા વિવાદ સર્જાયો હતો. ગુજરાત કોંગ્રેસે પોસ્ટ કરતા જણાવ્યું હતું કે દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહત સામગ્રી આપવામાં આવી હતી, જો કે તેમની આ પોસ્ટ પર ભાજપ સમર્થકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ તસ્વીરો ભાજપ નેતા પબુભા માણેક દ્વારા કરવામાં આવેલી મદદના છે.

congress post (Now deleted), Link: https://www.facebook.com/263042377039487/posts/3127092933967736/

આ અંગે સ્પષ્ટતા માટે અમે જ્યારે પ્રદેશ કોંગ્રેસનો સંપર્ક સાધ્યો તો તેમણે દ્વારકા કોંગ્રેસ અધ્યક્ષનો સંપર્ક કરવા કહ્યું જે બાદ અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તકનિકી કારણોસર તેમની સાથે વાત ના થતા કોંગ્રેસનું આ અંગે આધિકારિક નિવેદન ના મેળવી શક્યા. જો કે આ બાદ મિનિટોની અંદર જ કોંગ્રેસે તે પોસ્ટ ફેસબુક પરથી હટાવી દીધી હતી.

Anand Harkhani Post, Link: https://m.facebook.com/story.php?story_fbid=2996969143693208&id=100001404563133

તેમ છતાં અમે આ અંગે પ્રયાસ ચાલુ રાખ્યો અને તસ્વીરોની તપાસ કરતા જાણવા મળ્યું કે ગઇકાલે સાંજે 5:56 વાગ્યે ભાજપ કાર્યકર્તા આનંદ હરખાની એ આ જ ફોટા મૂક્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે પબુભા માણેક દ્વારા ગરીબોને રાશન આપવા માટે કામગીરી કરવામાં આવી હતી. તેમણે આ સાથે પબુભા માણેકની પણ તસવીરો મૂકી હતી. તેમની આ પોસ્ટની કલાકો બાદ (અંદાજે 7-7:30 વાગ્યે) કોંગ્રેસે આમાંથી જ કેટલીક તસવીરો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે દ્વારકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મદદ કરવામાં આવી છે.

કોંગ્રેસે આ અંગે આધિકારિક કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ ભાજપ કાર્યકર્તાની પોસ્ટ બાદ એ જ તસવીરો સાથે કોંગ્રેસે પોસ્ટ કરતા અને બાદમાં સ્પષ્ટતા માંગતા કોંગ્રેસ દ્વારા એ પોસ્ટ ડિલીટ કરી નાખવામાં આવતા સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસે ભાજપની તસવીરો પોતાના નામે પોસ્ટ કરી હતી.