20 માર્ચથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ થયેલ પાટીદાર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની જામીન માટે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ નેતાઓ તેમને જેલ મુક્ત કરવા માટે સરકારને પત્રો લખી અરજી કરી રહ્યા હતા જે બાદ ગઇકાલે અમદાવાદ સેસંશ કોર્ટે હાર્દિક પટેલને જામીન આપી હતી. સરકારે હાર્દિકના જામીન વિરુદ્ધ કોર્ટમાં દલીલ કરી હતી પરંતુ કોર્ટે તમામ દલીલ સાંભળ્યા બાદ હાર્દિકને શરતી જામીન આપી હતી.

છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ સરકાર તેને દબાવવા માટે જૂના કેસોમાં ગિરફ્તારી કરી રહી છે. હાર્દિકે તેની આ જેલ યાત્રા પર આપવીતી જણાવતા ફેસબુક પોસ્ટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તેઓની હિંમત વધી છે.

હાર્દિક પટેલની આપવીતી

તારીખ:-૨૭/૩/૨૦૨૦
સમય:- આશરે રાત્રે ૭:૩૦ કલાકે
સ્થળ:- સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ

જેલની અડધી કાચી-પાકી રોટલી અને પાણીમાં વઘારેલા શાક ના બે-ત્રણ કોળિયા ખાઈને મારી બેરેક માં ભગવાન રામનું નામ લેતા આંટા મારતો હતો, નવાઈની વાત એ છે કે મારી બેરેક ૧૦/૧૦ ફિટ છે. મનનાં વિચાર પરિવારની ચિંતા સાથે જોડાયેલા હતા, લગ્ન થયાને માત્ર એક વર્ષ થયું છે અને આ એક વર્ષમાં સતત ત્રણ મહિના કોર્ટ-કચેરી તથા જેલના ધક્કામાં જતા રહ્યા છે. પત્ની કિંજલ સાથે લગ્નજીવન બાદ સરખું હરવા ફરવાનું પણ થયું નથી અને ઘણી વાર મારે આ મેણા-ટોણા એના તરફથી સાંભળવા પડે છે, પરંતુ ઘણીવાર તેને સમજાવવામાં સફળ થઇ જાઉં છું. છેલ્લા ચાર વર્ષમાં જાહેર જીવનમાં કોઇપણ કામ મેં મારા માટે નથી કર્યું, જે પણ કંઈ કર્યું તે જનતા ના હિત સાથે જોડાયેલું હોય છે અને આ કામ કરવા જતા બદનામી અને અપમાન તો મળતું જ રહે છે. છેલ્લા દસ દિવસથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છું. ૨૦૧૫માં નવ મહિના લાજપોર સેન્ટ્રલ જેલ સુરત અને ૨૦૧૭માં દસ દિવસ પાટણ સબ જિલ્લા જેલમાં પણ જઇને આવ્યો છું પરતું આ વખતે કંઈ નવી ખુશી મને અહીંયા મળી.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં સિપાઇ તરીકે ફરજ બજાવતાં જવાનો ૨૦૧૯ એટલે કે નવી ભરતીના છે, ઘણા બધા સિપાઈઓ મને મળવા આવતાં અને મને કહેતા કે તમને પહેલીવાર જોયા છે અને મળ્યા છીએ. હું પણ તેમને આવકાર આપતો અને નવી ભરતીના સિપાઇ તરીકે કામે આવ્યા છો તે માટે અભિનંદન આપતો. પરંતુ તરત જ મને સામે જવાબ મળતો કે તમારો આભાર, હું સ્તબ્ધ થઇ ને તરત જ પૂછતો કે કેમ..! ત્યારે સિપાઇ કહેતા કે તમારા આંદોલનના કારણે અમારા જેવા ગરીબ પરિવારના લોકો ને ૧૦% આર્થિક અનામત અને સરકારી ભરતીમાં પાંચ વર્ષની વયમર્યાદામાં વધારો થતા અમને ઘણો ફાયદો થયો છે. આ સાંભળતાં જ મારી છાતી ગજ-ગજ ફૂલી ગઈ અને હું પણ સામે જવાબ આપતો કે હજુ પણ તમારા બધાના સાથ અને સહયોગની જરૂર છે સમય આવશે યુવાનોને ઘણો બધો ફાયદો અપાવીશું. પેલા સિપાઈ ના શબ્દોથી જેલની અને પરિવારની ચિંતા જ ભૂલાઈ ગઈ.

આ મારા વિચારો એટલા માટે લખી રહ્યો છું કેમકે આ અનુભવે મારી હિંમત માં ખૂબ જ વધારો કર્યો છે, મને તૂટતા બચાવ્યો છે, કંઈક નવા આયોજન સાથે આગળ વધવાની હિંમત આપી છે. છેલ્લે એટલું જ કહીશ કે લોકોના હિત માટે લડતા હોય ત્યારે બદનામી અને અપમાનનો સામનો તો કરવો જ પડે છે પરંતુ ધ્યેય અને સિદ્ધાંત સાથે કામ કરવું જ પડે છે.

તારીખ:-૨૭/૩/૨૦૨૦ સમય:- આશરે રાત્રે ૭:૩૦ કલાકેસ્થળ:- સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદજેલની અડધી કાચી-પાકી રોટલી અને…

Posted by Hardik Patel on Monday, March 30, 2020