• ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરે 10 જેટલી બેઠકો થઈ પરંતુ કોઈ પરિણામ ના આવ્યું, કમાન્ડર તેમજ મુખ્ય જનરલ રેંકના અધિકારીઓ એ કરી ચર્ચા
  • રાજનીયિક સ્તરે પણ ચર્ચા ચાલી રહી છે, 6 જૂન એ ફરી બેઠક થશે
  • ભારત યથાવત સ્થિતિ પર પાછા ફરવાનો આગ્રહ કરી શકે છે

દશકોથી ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર સ્વરૂપ લીધું છે. LAC પર બંને દેશની સેના વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું રહ્યું છે પરંતુ હાલ વર્ષો બાદ ભારત અને ચીન વચ્ચે સરહદ મુદ્દે ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. બંને દેશો એકતરફ સૈન્ય અને રાજનીયિક રીતે ચર્ચા પણ કરી રહી છે અને બીજી તરફ સરહદ પર યુદ્ધ સ્તરે કામગીરી પણ કરી રહી છે.

પેનગોંગ ત્સો તળાવની આજુબાજુના વિસ્તારમાં રોડ નિર્માણ અને અને ગેલવાન ખીણમાં દરબુક-શ્યોક-દૌલાત બેગ ઓલ્ડિ માર્ગને જોડતો બીજો રસ્તો ભારત દ્વારા બનાવવામાં આવતા ચીનના પેટમાં તેલ રેડાયું હતું જે બાદ 5 મે, એ ચીન અને ભારતના 250 જેટલા સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ચીને તમામ વિવાદિત સરહદી સીમા પર સૈન્ય તાકાત વધારતા ભારતે પણ પેંગોંગ ત્સો, ગેલવાન ખીણ, ડેમચોક અને દૌલાત બેગ ઓલ્ડિના સહિતના વિસ્તારોમાં સૈન્ય તાકાત વધારી હતી.

ભારત અને ચીન વચ્ચે આ વિવાદ યુદ્ધનું રૂપ ના લે તે માટે 2017 માં જેમ ડોકલામ વિવાદનો અંત લાવ્યો હતો તેમ આ વખતે પણ સૈન્ય અને રાજનીયિક સ્તરે ચર્ચાઓનો દૌર ચાલી રહ્યો છે. હાલ ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરે કમાન્ડર તેમજ મુખ્ય જનરલ રેંકના અધિકારીઓ એ 10 જેટલી બેઠકો કરી પરંતુ કોઈ પરિણામ ના આવ્યું. સૂત્રો મુજબ 6 જૂન એ લેહ સ્થિત 14 કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ બેઠક યોજી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારત ચીનને યથાવત સ્થિતિ પર પાછા ફરવાનો આગ્રહ કરી શકે છે. જો કે રિપોર્ટ્સ મુજબ અગાઉની બેઠકોમાં ભારત દ્વારા LAC રેખા સુનિશ્ચિત કરવા અથવા પહેલાની સ્થિતિમાં પાછા ફરવા પ્રસ્તાવ રાખવામા આવ્યો હતો પણ ચીનને તે સ્વીકાર્ય ના હતું.

દેશ-ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર મેળવવા અમારા  Whatsapp અને Telegram ગ્રૂપ સાથે જોડાઓ