આજે સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થશે જે 3 એપ્રિલ, સુધી ચાલશે. સંસદનું આ સત્ર હંગામેદાર રહેશે કારણકે દેશની રાજધાની દિલ્લીમાં જે હિંસા ભડકી તેમાં કેન્દ્ર સરકારની આધીન આવતી દિલ્લી પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓ ની મોટી નિષ્ફળતા રહેતા 45 જેટલા લોકો એ જીવ ગુમાવવો પડયો અને હજુ પણ આ હિંસા પાછળના જવાબદાર નેતાઓ અને લોકો પકડાયા નથી. સુપ્રીમ કોર્ટ અને દિલ્લી હાઇકોર્ટ પણ આ મામલે સરકાર અને તંત્રનો ઉધડો લઈ ચૂકી છે ત્યારે વિપક્ષ પણ આ મુદ્દે સરકારને ઘેરવાના મૂડમાં છે.

આ મામલે કોંગ્રેસે આજે સદનની કાર્યવાહી સ્થગિત કરી દિલ્લી હિંસા પર ચર્ચા કરવાની નોટિશ આપી છે જ્યારે AAP એ આ હિંસાની તપાસ JPC (જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી) ને સોંપવાની માંગ કરી છે. TMC ના સાંસદો આજે સંસદ બહાર ગાંધીજીની મુર્તિ પાસે ધરણા કાર્યક્રમ કરશે. કોંગ્રેસે આ મુદ્દે કહ્યું છે કે દિલ્લી હિંસા એ દેશની સેક્યુલર છબી અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે બગાડયુ છે. વિપક્ષ એ હિંસામાં કથિત રીતે પોલીસની સંડોવણી અને નિષ્ફળતા માટે સીધી રીતે ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ગણ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.

સરકારે આજના સત્ર મુદ્દે બજેટને પ્રાથમિકતા આપવાની વાત કરી છે પરંતુ દિલ્લી હિંસા પર સદનમાં આજે ચર્ચા થઈ શકે છે અને ગૃહમંત્રી અમિત શાહ ખુદ આ હિંસા મામલે જાણકારી સંસદને આપી શકે છે અને વિપક્ષના આરોપો પર પોતાનો પક્ષ રાખી શકે છે. હાલની સ્થિતિ મુજબ સત્ર તોફાની બની રહેશે અને સરકારને સંસદમાં બીલ લાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.